સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ રાજુ શેટ્ટીએ કાવડેની રસીદને ટ્વિટ કરીને લખ્યું, ‘કોઈ માત્ર 13 રૂપિયાથી શું કરે?
તમને ભલે ડુંગળી અત્યારે મોંઘી મળી રહી છે, પરંતુ ખેડૂતોને તેની કિંમત ઓછી મળી રહી છે, તેનો અંદાજ મહારાષ્ટ્રના સોલાપુરના એક કિસ્સા પરથી લગાવી શકાય છે. તમે કદાચ વિશ્વાસ નહીં કરો કે સોલાપુરમાં 1123 કિલો ડુંગળી વેચનાર ખેડૂતના હાથમાં માત્ર 13 રૂપિયા આવ્યા. કમિશન એજંટનું કહેવું છે કે ખરાબ પાકને કારણે ખેડૂતને આટલી ઓછી કિંમત આપવામાં આવી.
સોલાપુરમાં આવેલ કમિશન એજંટ દ્વારા આપવામાં આવેલી વેચાણ રસીદ મુજબ, ખેડૂત બપ્પુ કાવડેએ 1123 કિલો ડુંગળી વેચી જેના માટે તેને માત્ર 1665.50 રૂપિયા મળ્યા. મજૂરી ખર્ચ, વજન ખર્ચ અને પરિવહન પર 1651.98 રૂપિયા ખર્ચ થઈ ગયા. આ રીતે ખેડૂતને માત્ર 13 રૂપિયાનો નફો થયો. ખેડૂત બપ્પુ કાવડેના ખર્ચમાં ડુંગળી ઉત્પાદનનો ખર્ચ પણ છે.
રાજુ શેટ્ટીએ ઉઠાવ્યો આ મામલો: સ્વાભિમાની શેતકારી સંગઠનના નેતા અને પૂર્વ લોકસભા સાંસદ રાજુ શેટ્ટીએ કાવડેની રસીદ ટ્વિટ કરીને લખ્યું, ‘કોઈ માત્ર 13 રૂપિયાથી શું કરે? ખેડૂતે ડુંગળીની 24 થેલી ખેતરમાંથી કમિશન એજંટની દુકાનમાં લઈને વેચી અને તેનાથી 13 રૂપિયાની આવક થઈ. તે કેવી રીતે ઉત્પાદન કિંમત ચૂકવશે, જેમાં પાક માટે જમીન તૈયાર કરવી, બિયારણ ખરીદી, ખાતર અને સિંચાઈ ખર્ચ શામેલ છે. ખેડૂત બપ્પુ કાવડેએ 1512 રૂપિયા ટ્રાન્સપોર્ટ ચાર્જ ચૂકવવા માટે જરૂર કમાઈ લીધા, નહીં તો તે પણ તેણે પોતાના ખિસ્સામાંથી ચૂકવવા પડત.
ખેડૂત બપ્પુ કાવડે પાસેથી ડુંગળી ખરીદનાર કમિશન એજંટ રુદ્રેશ પાટીલે કહ્યું કે પાકની ગુણવત્તા ખૂબ જ નબળી હતી, તેથી મેં ઓછી કિંમત પર ડુંગળી ખરીદી. ડુંગળી ભીની હતી અને છેલ્લા કેટલાક દિવસોમાં કમોસમી વરસાદને કારણે બગડી ગઈ હતી. આ કારણથી આટલી ઓછી કિંમત મળી છે.